Wednesday 8 October 2014

GPSC EXAM DATE MA VADHARO KARVS ANGE NI PITITION FAGAVAI.

૧૨ ઓક્‍ટોબરની GPSC પરીક્ષાની તારીખ લંબાવવા પિટિશન ફગાવાઇ
અમદાવાદ તા.૮ : ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની ૧૨મી ઓકટોબરે યોજાનારી પરીક્ષામાં બદલાયેલા અભ્‍યાસક્રમના કારણે પૂરતી તૈયારીનો સમય ન મળતો હોવાથી પરીક્ષાની તારીખ લંબાવી આપવા અંગે થયેલી જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેટલી જગ્‍યાઓ છે તેના નવ ગણા ઉમેદવારો પ્રિલિમનરી પરીક્ષામાં પાસ કરાતાં હતાં, તે ઘટાડીને હવે છ ગણા ઉમેદવારો પાસ કરાય છે જે અયોગ્‍ય છે તેવી પિટિશનરની દલીલને પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્‍ટિસ વી.એમ. સહાય અને જસ્‍ટિસ આર.પી. ધોલરિયાની ખંડપીઠે અરજી ફગાવતા નોંધ્‍યું હતું કે તારીખ લંબાવવા માટેનું કોઈ કારણ નથી અને આ જાહેરહિતની અરજીમાં કોઈ મેરિટ નથી.
સોમાણી અજય શંકરલાલ દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે આઠ વર્ષ બાદ અધિકારીઓની સીધી ભરતી માટેની પરીક્ષા યોજાઈ રહી છે અને આ પરીક્ષાઓનો અભ્‍યાસક્રમ બદલાયો છે જે માત્ર સાયન્‍સ અથવા ગણિતના વિદ્યાર્થીઓને જ ફાયદારૂપ થાય તેઓ છે. બીજી સ્‍ટ્રીમમાંથી આવતાં વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષાની બરાબર તૈયારી કરી શકે તે માટે પરીક્ષાની તારીખ લંબાવી આપવી જોઈએ. દલીલો બાદ કોર્ટે નોંધ્‍યું હતું કે પરીક્ષા જેટલી સ્‍પર્ધાત્‍મક રહેશે તેટલા સારા ઉમેદવારો સરકારને મળશે. ૧૦ જૂૂન ૨૦૧૪ના રોજ આ પરીક્ષાઓ માટેની જાહેરખબર પ્રસિદ્ધ થઈ હતી અને અને નવો અભ્‍યાસક્રમ તેની પહેલાં જાહેર થયો હતો અને અત્‍યાર સુધી ઉમેદવારોએ નવા અભ્‍યાસક્રમ સાથે જ તૈયારી કરી છે, આથી પરીક્ષાઓ યોજાતા સમયે કોર્ટે દરમિયાનગીરીની જરૂર નથી.